કાલકા-શિમલા રેલ્વે
બ્રિટિશ શાસન સમયની ગરમીના દિવસો દરમ્યાનની રાજધાની શિમલા નગરને કાલકા સાથે જોડતો રેલ્વે માર્ગ બનાવવા માટે ઇ.સ. ૧૮૯૬ના વર્ષમાં 'દિલ્હી-અંબાલા-કાલકા રેલ્વે કંપની'ને નિર્માણ તેમ જ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. દરિયાઇ સપાટીથી ૬૫૬ મીટર ઊંચાઈ પર આવેલા હરિયાણા રાજ્યના કાલકા રેલ્વે મથકથી શરુ થતો આ રેલ માર્ગ શિવાલિક પર્વતમાળાના પહાડોમાં અનેક વળાંકો લઇ ૨૦૭૬ મીટર ઊંચાઈ પર આવેલા શિમલા ખાતે પંહોચે છે.
રેલમાર્ગ
[ફેરફાર કરો]બે ફૂટ અને છ્ ઈંચ પહોળાઇ ધરાવતી આ નેરોગેજ રેલ્વે માર્ગ પર તારીખ ૯મી નવેમ્બર, ૧૯૦૩થી આજદિન સુધી વ્યવહાર ચાલુ છે. કાલકા-શિમલા રેલ્વે માર્ગમાં ૧૦૩ બોગદાંઓ તેમ જ ૮૬૯ પુલો બનાવવામાં આવેલ છે. આ માર્ગમાં ૯૧૯ વળાંકો આવેલા છે, જે પૈકી સૌથી તીવ્ર વળાંક લેતાં ગાડી ૪૮ અંશના ખુણે ઘુમે છે.
ઇ.સ.૧૯૦૩ના વર્ષમાં અંગ્રેજો દ્વારા કાલકા-શિમલા રેલ્વે બનાવવામાં આવ્યો હતો. રેલ્વે વિભાગે ૭મી નવેમ્બર,૨૦૦૩ના દિવસે ધામધૂમથી શતાબ્દી સમારોહ ઉજવ્યો હતો, જેમાં પૂર્વ રેલમંત્રી નિતીશકુમાર પણ સામેલ થયા હતા. આ સમયે નિતીશકુમારે આ રેલ્વે માર્ગને વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો મેળવવા માટે યૂનેસ્કોમાં રજુઆત કરવાની ઘોષણા કરી હતી.
વિશ્વ ધરોહર સ્થળ
[ફેરફાર કરો]ભારત દેશ દ્વારા થયેલી રજુઆતને પગલે યૂનેસ્કોએ મોકલવેલી ટુકડીના સભ્યોએ કાલકા-શિમલા રેલ્વે માર્ગનો યોગ્ય અભ્યાસ સ્થળ પર જાતતપાસ સાથે કર્યો. આ ટુકડીના અહેવાલમાં કાલકા-શિમલા રેલ્વે, જલપાઇગુડી-દાર્જિલિંગ રેલ્વે પછીના ક્રમે આવતો એવો રેલ્વે માર્ગ છે, જે બેજોડ અને અનોખો છે. યુનેસ્કો દ્વારા મોકલાયેલ ટુકડીએ કાલકા-શિમલા રેલ્વેનું ઐતિહાસિક મહત્વ સમજી એમ ભરોસો પણ આપ્યો કે આ રેલ્વે માર્ગને વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો મળે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. આ ટુક્ડી યૂનેસ્કો ખાતે પરત પહોંચ્યા બાદ એમણે આપેલા અહેવાલને પગલે, ૨૪ જુલાઇ, ૨૦૦૮ના દિવસે આ રેલ્વે માર્ગને વિશ્વ ધરોહર સ્થળ તરીકે યૂનેસ્કો દ્વારા માન્યતા મળવાની ઘોષણા કરવામાં આવી.
૬૦ના દાયકામાં નિર્માણ પામેલા વરાળથી ચાલતા રેલ્વે એન્જિન થકી આ રેલ્વે માર્ગની ધરોહર અજોડ બની છે, આ એન્જિન આજે પણ શિમલા અને કૈથલીઘાટ સ્ટેશન વચ્ચે પ્રવાસ ખેડી રહ્યું છે. મુખ્યત્વે આ ઐતિહાસિક એન્જિનના કારણે જ ભારત દેશ વિશ્વ ધરોહર સ્થળ તરીકેની માન્યતા મેળવવા દાવો નોંધાવી શક્યું તેમ જ માન્યતા પ્રાપ્ત કરી શક્યું.
- બસ સ્ટોપનું નામ પણ ૧૦૩
આ રેલ્વે માર્ગ પર આવેલાં ૧૦૩ બોગદાંઓને કારણે શિમલા ખાતે આવેલા છેલ્લા બોગદાને ૧૦૩ નંબર ટનલ એવું નામ આપવામાં આવ્યું. આને કારણે એની બરોબર ઉપરના ભાગમાં આવેલા સડક માર્ગ પરના બસ સ્ટોપને પણ અંગ્રેજોના સમયથી જ લોકો ૧૦૩ સ્ટેશન તરીકે ઓળખવા લાગ્યા હતા, જોકે એનું નામ ૧૦૨ સ્ટોપ હોવું જોઇએ.
- ઘણી જગ્યાઓ પર જર્જરિત બનેલો રેલ માર્ગ
ભલે આ રેલ્વે માર્ગને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી, પરંતુ ૧૦૫ સાલ જૂનો આ માર્ગ ઘણી જગ્યાઓ પર બિસ્માર થઇ ગયો છે. આ માર્ગ પર બનેલા ઘણા પુલો એટલા જર્જરિત બની ગયા છે કે રેલ્વે વિભાગે પોતે DANGER લખી ચેતવણી આપવી પડે છે. આવા અનેક પુલો પરથી પસાર થતી વખતે ગાડીએ નિર્ધારિત ગતિ (૨૫ કિલોમીટર પ્રતિ કલાક) કરતાં ઓછી ઝડપે(૨૦ કિલોમીટર પ્રતિ કલાક) પ્રવાસ ખેડવો પડે છે.
- પ્રવાસીઓનો ધસારો
દરરોજ આશરે દોઢ હજાર મુસાફરો આ માર્ગ પર યાત્રા કરે છે. આ કાલકા-શિમલા માર્ગ પર સામાન્ય દિવસોમાં આશરે દોઢ હજાર જેટ્લા યાત્રીઓ મુસાફરી કરે છે, જ્યારે રજા-વેકેશનના સમયમાં આ આંકડાઓ બમણા થઇ જાય છે.
- કલ્પા ખાતે ઘડાયેલી યોજના
અંગ્રેજોએ હિમાચલ પ્રદેશમાં આવેલા કિન્નોર જિલ્લાના કલ્પા ગામ ખાતે આ રેલ્વે માર્ગ બનાવવાની યોજના ઘડી હતી. પહેલાં આ રેલ્વે માર્ગ કાલકાથી કિન્નોર સુધી બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્યારબાદ આ માર્ગ શિમલા સુધી બનાવવામાં આવ્યો હતો.
- કર્નલ બડોગની આત્મહત્યા
અંગ્રેજોએ આ માર્ગ પર જ્યારે કાર્ય શરુ કર્યું ત્યારે એક જગ્યા પર મોટા પહાડને કારણે આગળ માર્ગ બાંધવામાં ભારે અડચણ ઊભી થઇ. એકવાર તો એવી પરિસ્થિતિ ઉભી થઇ કે અંગ્રેજોએ આ માર્ગ શિમલા પહોંચાડવાનું કાર્ય વચ્ચેથી છોડી દેવા મન મનાવી લીધું હતું. આમ બનવાને લીધે નાસીપાસ થયેલા કર્નલ બડોગ, કે જે આ માર્ગના કાર્યની દેખરેખ રાખતા હતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. એમના નામ પરથી આ જગ્યા પર આવેલા સ્ટેશનનું નામ બડોગ સ્ટેશન રાખવામાં આવ્યું છે.
- નવાં એન્જિનોની રાહ જોતાં ૩૬ વર્ષનાં ઘરડાં એન્જિનો
આ ઐતિહાસિક રેલ્વે માર્ગ પર સેવા આપતાં ઘણાં એન્જિનો ૩૬ સાલની મુસાફરી ખેડ્યા પછી પણ અવિરતપણે કાલકાથી શિમલાની સફરમાં ગાડીને ખેંચી જાય છે. આ રેલ્વે માર્ગ પર વર્તમાન સમયમાં આશરે ૧૪ એન્જિનો સેવા બજાવી રહ્યાં છે, એમાં લગભગ ૧૦ એન્જિનો ૩૬ વર્ષ પૂરાં કરી ચુક્યાં છે અને બાકી ૪ એન્જિનો પણ ૨૦થી ૨૫ વર્ષ જૂનાં થઇ ગયાં છે.
અત્રે એક વાત જાણવી જરૂરી છે કે પર્વતો પર ચાલતી રમકડાં ગાડી એટલે કે ટોય ટ્રેનનાં એન્જિનોની કામ કરવાની ક્ષમતા આશરે ૩૬ વર્ષની હોય છે. આ રીતે આ રેલમાર્ગ પર સેવા આપતાં ૧૦ એન્જિનો પોતાનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યાં છે. આ બધાં જ એન્જિનોનું કાલકા સ્થિત નેરોગેજ ડીઝલ એન્જિન વર્કશોપમાં સમારકામ કરવામાં આવે છે, પરંતુ જૂનાં થઇ ગયેલાં એન્જિનોના સ્પેરપાર્ટસ ન મળવાને કારણે એન્જિનોના મરામતકાર્યમાં અનેક અડચણો આવે છે.
રેલ્વે વિભાગ આ માર્ગ માટે મુંબઇ સ્થિત પરેલમાં ચાર નવાં એન્જિનો તૈયાર કરાવવાની વાત છેલ્લા દસ મહિનાથી કરી રહ્યું છે. રેલ્વેના વહીવટી વિભાગ તરફથી આ એન્જિનો ક્યારેક માર્ચ, ક્યારેક એપ્રિલ તો ક્યારેક જુનમાં લાવવાની વાતો થાય છે, પરંતુ આ એન્જિનો હજુ સુધી આ રેલ્વે માર્ગ સુધી પહોચ્યા નથી.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- http://hill-stations-india.com/hill-trains-india/kalka-shimla-railway.html સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૫ ના રોજ વેબેક મશિન
- http://www.luxury-train-travel-tours-india.com/hill-trains-in-india/kalka-shimla-railway.html સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન
- http://www.tribuneindia.com/2003/20031104/himachal.htm#1
- http://www.shimla-travel.com/shimla_railway.shtml
- http://www.indianadventureportal.com/trains/kalka-shimla-toy-train.html સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૩ ના રોજ વેબેક મશિન
- http://www.outlooktraveller.com/aspscripts/mag_art.asp?magid=214&page=1 સંગ્રહિત ૨૦૦૬-૧૧-૧૦ ના રોજ વેબેક મશિન
- http://www.pearcedale.com/c&b/DL.html#indi
- http://mikes.railhistory.railfan.net/r019.html
- Article in The Tribune
- Article on Kalka Shimla Rail સંગ્રહિત ૨૦૦૮-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન
- International Working Steam [૧] સંગ્રહિત ૨૦૦૭-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન